કોર્ન - રતાળુની રોસ્ટી
સામગ્રી :
૧૫૦ ગ્રામ-રતાળુ, ૧ મોટી-અમેરિકન મકાઈના બાફેલા દાણા.
રતાળુ - રોસ્ટી માટે :
૧/૨ ટી. સ્પૂન - મરી પાવડર, ૧/૨ ટી. સ્પૂન-આમચૂર પાવડર, ૧/૪ ટી. સ્પૂન-સંચળ પાવડર, ૧ ૧/૨ ટેબલસ્પૂન-કોર્ન ફ્લોર, ૧ ટેબલસ્પૂન-તેલ, ૨ ટેબલસ્પૂન-પાણી, મીઠું-જરૂર મુજબ.
કોર્ન - રોસ્ટી માટે ૧/૨ ટી. સ્પૂન-બટર, ૧/૨ ટી. સ્પૂન-તેલ, ૧/૨ ટી. સ્પૂન-ગરમ મસાલો, ૧/૪ ટી. સ્પૂન-તજનો પાવડર, ૧/૮ ટી. સ્પૂન-જાયફળ પાવડર, ૧ ટી. સ્પૂન-આદુ મરચાંની પેસ્ટ, મીઠું-સ્વાદ મુજબ, ચાટ મસાલો-જરૂર મુજબ.
સ્પાઈસી સોસ બનાવવા ૧ મધ્યમ કદનો-છીણેલો કાંદો, ૧ મોટું-ટામેટું છીણેલું, ૩ કળી-લસણ ઝીણું સમારેલું, ૧/૨થી ૩/૪ ટી. સ્પૂન-લાલ મરચું પાવડર, ૨ ટેબલ સ્પૂન-શેકેલા સિંગદાણાનો ભૂકો, મીઠું-સ્વાદ મુજબ, ૧ ટેબલસ્પૂન-તેલ.
રીત : (૧) રતાળુ છોલી તેના મોટા કટકા કરવા. તેમાં મીઠું ચોળી ૧૦ મિનિટ રહેવા દેવું. ગરમ પાણીથી રતાળુના કટકા ધોઈ લેવા. કૂકરમાં તેને કોરા અને કડક બાફવા.
(૨) રતાળુ હૂંફાળું ગરમ હોય ત્યારે છીણી લેવું. તેમાં મીઠું, સંચળ પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, કોર્નફ્લોર અને તેલ ઉમેરવું. પાણી છાંટી હલકા હાથે મિક્સ કરવું.
(૩) મકાઈના બાફેલા દાણાને ચીલી કટરમાં ક્રશ કરવા. નોનસ્ટિક કડાઈમાં મધ્યમ તાપે બટર અને તેલ ગરમ કરી ક્રશ કરેલા દાણા ઉમેરવા. તેમાં તજનો તથા જાયફળનો પાવડર, ગરમ મસાલો, આદુ-મરચાંની પેસ્ટ અને સ્વાદમુજબ મીઠું નાંખી મિક્સ કરવું. પાંચેક મિનિટ રહેવા દઈ ગેસ ઉપરથી ઉતારી લેવું.
(૪) નોનસ્ટિક તવા ઉપર તેલ લગાડી રતાળુની છીણમાંથી થોડી લઈ તવા પર ગોળ થેપી લેવી. જરૂર પડે તો પાણીવાળો હાથ કરવો.
(૫) તવા પર થેપેલી રોસ્ટી ઉપર કોર્નનું થોડું પૂરણ લઈ કોર્ન રોસ્ટી હાથેથી થેપી લેવી.
(૬) રતાળુની રોસ્ટી સિજાય એટલે પલટાવી કોર્નરોસ્ટી સિજાવા દેવી. આ પ્રમાણે પાંચ નાની રોસ્ટી બનાવવી અથવા મોટી રોસ્ટી થેપી તેને કટ કરી સર્વ કરવી.
(૭) સ્પાઈસી સોસ બનાવવા માટે તેલ સિવાયની બધી સામગ્રી ભેગી કરી મિક્સરમાં પેસ્ટ બનાવવી. આકરા તાપે તેલ ગરમ કરી આ પેસ્ટ વઘારવી. બરાબર હલાવી સર્વ કરવા તૈયાર કરી લેવી.
(૮) ગરમ કોર્ન - રતાળુની રોસ્ટી સ્પાઈસી સોસ ઉપર મૂકી સર્વ કરવી. તેના ઉપર થોડો ચાટ મસાલો છાંટવો.
* રતાળુને બદલે બટાકા વાપરી શકાશે.
|