કેરટ કોફ્તા ઇન બાદશાહી ગ્રેવી

કેરટ કોફ્તા ઇન બાદશાહી ગ્રેવી

સામગ્રી (કોફ્તા માટે) : 
ગાજર-૫૦ ગ્રામ, બટાકા-૩ નંગ, તપકીરનો લોટ-જરૂર મુજબ, મરી પાઉડર-૧ ટી.સ્પૂન, મીઠું-સ્વાદ અનુસાર, તેલ-તળવા માટે, આદું-મરચાંની પેસ્ટ- ૨ ચમચી.
સામગ્રી (સ્ટફિંગ માટે) :
પનીર-૧૫૦ ગ્રામ, કિસમિસ-૨ ચમચી, કાજુના ઝીણા ટુકડા-૨ ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
સામગ્રી (ગ્રેવી માટે) :
ડુંગળી-૪ નંગ (મધ્યમ સાઈઝની), બટર-૪ ચમચી, પાલક-૨૦ પાન, મોળું દહીં-અડધો કપ, કાજુ-૧૦થી ૧૨ નંગ, લસણની પેસ્ટ-૧ ચમચી, આદું-મરચાંની પેસ્ટ-૧ ચમચી, ખમણેલો મોળો માવો-૧ કપ, ટોમેટો પ્યૂરી- ૨ કપ, કિસમિસ-૨ ચમચી, ફ્રેશ ક્રીમ-અડધો કપ, તમાલપત્ર- ૩ નંગ, ધાણાજીરું પાઉડર-૨ ચમચી, હળદર પાઉડર-૧ ચમચી, મરચું પાઉડર-૧ ચમચી, ગરમ મસાલો-૧ ચમચી, મીઠું-સ્વાદ મુજબ.
પૂર્વ તૈયારી : 
(૧) બટાકાને બાફીને માવો તૈયાર કરો. ગાજરને છોલીને ઝીણું ખમણી લો. (૨) કાજુના ટુકડા કરો, પનીરને ખમણી લો. (૩) ડુંગળીને ઝીણી સમારીને તળી લો. તેની પેસ્ટ બનાવી દો. કાજુ-કિસમિસને થોડી વાર ગરમ પાણીમાં પલાળી પેસ્ટ બનાવી દો. પાલકની પ્યૂરી બનાવો.
રીત : 
સૌપ્રથમ ખમણેલા ગાજરમાં બટાકાનો માવો નાંખો. તેમાં મરી, મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને તપકીરનો લોટ નાંખી મિશ્રણ તૈયાર કરો. તેના મોટા ગોળા વાળો. ખમણેલા પનીરમાં મીઠું, કાજુ, કિસમિસ નાંખી નાના ગોળા વાળી લો. મોટા હાજરના મિશ્રણના ગોળાને હથેળીમાં થેપી વાડકી જેવું બનાવી તેમાં પનીરનો નાનો ગોળો મૂકો. તેને બરાબર બંધ કરી કોફ્તા તૈયાર કરો અને ધીમા તાપે તળો. તળી લીધા બાદ થોડા ઠંડા પડે એટલે વચ્ચેથી બે ભાગમાં કાપી લો. જેથી વચ્ચે પનીર અને તેની આજુબાજુ ગાજરની ગોળાકાર રિંગ દેખાય. તેને એક પ્લેટમાં (ઊંધી) ગોઠવો. અન્ય એક વાસણમાં બટર ગરમ કરવા મૂકો.  બટર ગરમ થાય એટલે તમાલપત્ર નાંખો.  આદું-મરચાં- લસણની પેસ્ટ નાંખી બરાબર સાંતળો. તે પછી તેમાં થોડો ગરમ મસાલો અને ડુંગળીની પેસ્ટ નાંખી બટર છૂટું પડે ત્યાં સુધી સાંતળો. પછી માવો નાંખી બે મિનિટ સાંતળો. ત્યાર બાદ મરચું, ધાણાજીરું, હળદર, કાજુ-કિસમિસની પેસ્ટ અને દહીં નાંખી બધું બરાબર મિક્સ કરો. તેમાં ટામેટાની પ્યુરી નાંખી ખદખદવા દો. પછી ફ્રેશ ક્રીમ, પાલક પ્યૂરી, ગરમ મસાલો, મીઠું નાંખી બરાબર ખદખદે એટલે એક ઊંડી પ્લેટ (કે જેમાં કોફ્તા ગોઠવ્યા હોય) તેમાં રેડો. ગ્રેવી એવી રીતે રેડો કે જેથી કોફ્તા ડૂબે નહીં (ફોટામાં બતાવ્યા મુજબ). આવી પ્લેટ બનાવીને પીરસો. સ્વાદમાં ટેસ્ટફૂલ તેમ જ ભરપૂર પોષણમૂલ્યો ધરાવતી વાનગી તૈયાર છે.

Leave a Reply