રજવાડી ગ્રીન ઊંધિયું

 

રજવાડી ગ્રીન ઊંધિયું

ઊંધિયાની સામગ્રી :
૫૦ ગ્રામ-લીલા ચણા, ૫૦ ગ્રામ-લીલા વટાણા, ૫૦ ગ્રામ-ચોળાનાં બી, ૫૦ ગ્રામ-લીલી તુવેર, ૫૦ ગ્રામ-લીલા વાલનાં બી, ૫૦ ગ્રામ-પલાળેલા મગ, ૫૦ ગ્રામ-પલાળેલા મઠ, આદુ-મરચાં, લીલું લસણ, હળદર, મીઠું, તેલ, સૂકા મરચાં, ગરમ મસાલો.
મૂઠિયાંની સામગ્રી :
૨ ઝૂડી-કોથમીર, ૧ લીલું નાળિયેર, લીલું લસણ-અડધી ઝૂડી, આદુ-મરચાં, મીઠું, હળદર, ગરમ મસાલો, તેલ, સોડા (ચપટી એક), ચણાનો લોટ.
મૂઠિયાં બનાવવાની રીત :
સૌપ્રથમ એક ઝૂડી લસણની છોલી લો. કોથમીર ઝીણી સમારવી અને લીલા નાળિયેરનું ખમણ તૈયાર કરવું. આ ત્રણેય વસ્તુમાંથી અડધા ભાગની વસ્તુ લઈને તેમાં ૫૦ ગ્રામ આદું-મરચાં, લીંબુ, ખાંડ, મીઠું, હળદર, હીંગ, ચપટી સોડા, થોડો ગરમ મસાલો નાખી ચણાના લોટમાં ભેળવો. તેનાં મૂઠિયાં વાળી તેલમાં તળો. સહેજ કડક રહે તેવા તળવા.
ઊંધિયાની રીત :
સૌપ્રથમ બધાં જ કઠોળને એક સાથે મીઠું નાંખીને આખા રહે તેમ બાફી લો. ત્યારબાદ ચાળણીમાં નીતારી લો. એક કડાઈમાં માપસર તેલ મૂકી, હિંગ નાંખી ટામેટાં નાંખવા તેને ગળવા દેવા. ત્યારબાદ ખાંડ, મીઠું, હળદર, લીલા મરચાં, આદુ તેમજ લીંબુ નીચોવી સરસ ગ્રેવી તૈયાર કરવી. ગ્રેવી એકરસ થાય એટલે તેમાં બધાં જ કઠોળ ઉમેરી બરાબર હલાવી ધીમા તાપે થવા દેવું. તેમાં કોથમીરનાં મૂઠિયાં નાખી હલાવવું. બે મિનિટ બાદ પાકાં કેળાં છીણીને નાખવા. ૨-૩ મિનિટ રાખી તેમાં દાડમ, કોથમીરથી સુશોભિત કરવું.

Leave a Reply