મોહનથાળ

૫૦૦ ગ્રામ ચણાનો કરકરો લોટ
૩૦૦ ગ્રામ ઘી
૩૦૦ ગ્રામ ખાંડ
૧/૨ કપ દૂધ
૨ ટેબલસ્પૂન ડ્રાયફ્રુટ્સની કતરણ
ઇલાયચી પાઉડર (જો ભાવતો હોય તો)
રીત :-
એક પહોળા વાસણમાં ચણાનો કરકરો લોટ લઈ તેની વચ્ચે ખાડો કરીને તેમાં ૨ ચમચા ગરમ ઘી નાખો અને ૧/૨ કપ દૂધ નાખી એક જ તરફ હલાવીને ભેળવી લો. બે હાથેળી વચ્ચે બધાજ લોટને મસળી લો. સારી રીતે મિક્સ થઈ જાય એટલે ૧૫ મિનિટ સુધી રાખી મૂકો અને પછી ચોખા ચાળવાની ચાળણીથી લોટને ચાળી લો. (આ આખી પ્રક્રિયાને ધાબો દીધો એમ કહેવાય છે)
હવે એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં લોટ શેકો. એકદમ શીરા જેવો શેકાઈ જાય, અને ઘી છૂટું પડવા માંડે ત્યાં સુધી સતત હલાવતા રહો. શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારીને તેને બાજુ પર મૂકી રાખો.
હવે એક વાસણમાં ચાસણી બનાવવા માટે ખાંડ અને ખાંડ ડૂબે તેટલું જ પાણી લઈ ગેસ પર ગરમ કરવા મૂકો. એકતારી ચાસણી થાય ત્યાં સુધી હલાવો. (ઉકળતા આ મિશ્રણમાં એક ચમચો દૂધ ઉમેરવાથી તેમાંની અશુધ્ધિઓ ઉપર તરી આવશે. જેને ચમચાથી બહાર કાઢી નાખો.)
ત્યારબાદ ચણાના લોટમાં આ ચાસણી રેડીને ૨ થી ૩ મિનિટ સુધી હલાવો. સારી રીતે ભળી જાય એટલે આ મિશ્રણને પહેલેથી ઘી લગાવીને રાખેલી થાળી અથવા ચોકીમાં ઢાળી લો. ઉપરથી ડ્રાયફ્રુટનું કતરણ અને ઇલાયચી પાવડર છાંટીને દબાવી દો.
સહેજ ઠંડું પડે પછી તેના એકસરખા માપના કાપા પાડી પીસ કરી લો. સાવ ઠરી જાય પછી બધા પીસ ઉખેડી શકાય.