આધુનિક માટલા ઊંધિયું

આધુનિક માટલા ઊંધિયું


માટલાના ઊંધિયાનો સ્વાદ માણવા તેમાં નાંખવામાં આવતી ચટણી ખાસ અગત્યની છે.તો પ્રથમ તેની ચટણીની સામગ્રીનો  તૈયાર કરવી.
(૧) કોઠાની ચટણી :
સામગ્રી :
૧ મોટું પાકું કોઠું, ગોળ-૧૫૦ ગ્રામ, કોથમીર-૫૦ ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ, લીલા મરચાં-૪ નંગ, જીરું-એક ચમચી.
રીત : પાકું કોઠું ફોડીને અંદરથી ગર કાઢી લો. તેમાં ગોળ, મીઠું, લીલા મરચાં, આદુ, જીરું નાંખીને મિક્સીમાં ઝીણું વાટી લો. થોડું પાણી રેડીને લચકા પડતી ચટણી બનાવી લો.
(૨) લસણની ચટણી :
સામગ્રી : 
લીલું લસણ-૨૦૦ ગ્રામ, કોથમીર-૧૦૦ ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ.
રીત :
લસણ, કોથમીર અને મીઠું નાંખીને મિક્સીમાં થોડું પાણી રેડીને લચકા પડતી ચટણી ઝીણી બનાવવી. બંને ચટણી ભેગી પણ વાટી શકાય છે. કોઠું, લસણ, કોથમીર બધું એકમાં જ મિક્સ કરીને એક જ ચટણી સાથે પણ બનાવી શકાય છે.
ઊંધિયું બનાવવાની રીત :
સામગ્રી : 
દાણાવાળી પાપડી - ૫૦૦ ગ્રામ, બટાકા-૨૫૦ ગ્રામ, શક્કરિયાં - ૨૫૦ ગ્રામ, રીંગણ - ૫૦૦ ગ્રામ, મીઠું, અજમો, ધાણાજીરું, તેલ સ્વાદ મુજબ.
રીત : 
દસ લિટરનું મોટું કૂકર લો. તેમાં નીચે ૧ મોટો બાઉલ ભરીને રેતી નાંખો. રેતીને બરાબર પાથરીને તેને બરાબર પાણીથી ભીની કરો.  તેની ઉપર જાડો કટકો ભીનો કરીનો પાથરવો જેથી રેતી શાકમાં જાય નહીં. પછી એક મોટો ચાદરનો કટકો લઈ તેને ભીનો કરવો અને તેને પહોળો કરીને સૌથી નીચે બરાબર ધોયેલી પાપડી મૂકવી. તેની ઉપર થોડું મીઠું અને અજમો ભભરાવવો. પછી બટાકા અને શક્કરિયાં બરાબર ધોઈને મૂકવા. રીંગણ બરાબર ધોઈને વચ્ચે ચીરો કરીને થોડું મીઠું અને ધાણાજીરું ભેગું કરીને ભરવું.
પછી આ કટકાનું પોટલું વાળી કૂકરમાં રેતી પર પાથરેલા જાડા કટકા પર મૂકો. પોટલા પર થોડું પાણી છાંટો. કૂકર બંધ કરી ત્રણ વ્હીસલ વગાડવી. પછી બે મિનિટ માટે ગેસ ધીમો કરી સીજવા દેવું અને પછી ગેસ બંધ કરી પંદરથી વીસ મિનિટ સિજવા દેવું. હવે કૂકર ખોલી તેમાંથી બધું ચઢેલું શાક એક થાળીમાં કાઢી લો.પાપડીના દાણા કાઢો, બટાકા, શક્કરિયાં છોલી તેનો માવો કરો. રીંગણનાં ડીંટાં જુદા કરી તેનો પણ માવો કરો.
દાણા, શક્કરિયાં, બટાકા, રીંગણના માવાને ભેગું કરી તેમાં તૈયાર કરેલી કોઠાની ચટણી અને લસણની ચટણી મિક્સ કરો. લચકા પડતું ઢીલું થાય તેવી રીતે સ્વાદ મુજબ ચટણીઓ નાખવી. છેલ્લે તેમાં તેલ નાંખવું અને બરાબર હલાવવું. હવે ડિશમાં સર્વ કરતી વખતે તેના ઉપર ઝીણી સેવ ભભરાવવી અને સર્વ કરો. આ ઊંધિયા સાથે મોળી છાસ પીવાથી ખૂબ મજા આવે છે. આ ઊંધિયા સાથે જલેબી પણ ખાવાની મઝા આવે છે. આ ઊંધિયામાં શાકની સાચી મીઠાશ અને રેતીની સુગંધ હોવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

Leave a Reply