ગાજરના રોલ

ગાજરના રોલ

સામગ્રી : 
ગાજર-૨ નંગ, રવો-૩ ટે.સ્પૂન, ઘી-૩ ટે.સ્પૂન, માવો-૧૦૦ ગ્રામ, ખાંડ-૧ વાટકી, કાજુ પાઉડર-૨ ટે.સ્પૂન, પિસ્તા પાઉડર-૨ ટે.સ્પૂન, અખરોટ પાઉડર ૨ ટે.સ્પૂન, બદામ પાઉડર-૨ ટે.સ્પૂન, એલચી પાઉડર- જરૂર મુજબ, ટોપરાનું છીણ- ૩ ટે.સ્પૂન, પનીર-૫૦ ગ્રામ, કાળો ખજૂર-૧૦થી ૧૨ નંગ, અંજીર-૨ થી ૩ નંગ, ચાંદીનો પરખ.
રીત : 
સૌપ્રથમ ગાજરને બારિક ખમણીને વરાળે બાફી લેવા. ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકીને રવો શેકી લેવો. બદામી રંગનો થાય ત્યાર પછી તેમાં ગાજરનું છીણ નાંખી તેને સાંતળી લેવું. તેનું પાણી બળી જાય ત્યાં સુધી રાખવું. ત્યાર બાદ બીજા પેનમાં ખાંડ ડૂબે તેટલું પાણી લઈ પતાસા જેવી ચાસણી કરવી. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલું ગાજર-રવાનું મિશ્રણ ઉમેરવું. ત્યાર બાદ તેમાં માવાને ખમણીને નાખવો. તેમાં બદામ પાઉડર, એલચી પાઉડર, કાજુ પાઉડર, અખરોટ પાઉડર, પિસ્તા પાઉડર ઉમેરી મિક્સ કરવું.
આગળની રીત : ખજૂરના ટુકડા અને અંજીરના ટુકડા કરી એક પેનમાં ઘી મૂકો. ત્યાર બાદ ખજૂર અને અંજીર સાંતળી લો. તેમાં પનીર, ટોપરાનું છીણ, કાજુ-બદામ પાઉડર, એલચી પાઉડર નાખો. ત્યાર બાદ પ્લાસ્ટિકની મદદથી તેનું રોટલા જેવું વણી લેવું અને ગાજર રવાના મિશ્રણમાંથી પણ રોટલા જેવું વણી લેવું. ત્યાર બાદ ગાજરના રોટલા ઉપર ખજૂર-અંજીરનો રોટલો મૂકીને પ્લાસ્ટિકની મદદથી જ રોલ વાળી લેવો અને ફ્રિજમાં એકથી બે કલાક સેટ કરવા મૂકવો. તેની ઉપર ચાંદીનો વરખ લગાડવો. તેના પીસ કરી ર્સિંવગ પ્લેટમાં લઈ સર્વ કરો.

Leave a Reply