ખાંડવી (પાટવડી)

૧ વાટકી ચણાનો લોટ (બેસન)
૪ વાટકી છાશ (જો છાશ બહુ ખાટી હોય તો પાણી મિક્સ કરીને વાપરવું)ગેસ પર બનાવતી વખતે ૪ વાટકી અને ઓવનમાં બનાવો ત્યારે ૩ વાટકી છાશ લેવી.
૧/૨ ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ (ભાવતું હોય તો)
મીઠું સ્વાદ અનુસાર
૧ ચમચો તલ
૧ ચમચી રાઈ
૧ ચમચો ઝીણા સમારેલા લીલા મરચાં
૨ ચમચા તેલ વઘાર માટે
ચપટી હિંગ
રીત :-
એક મોટા વાસણમાં છાશ અને પાણી ભેગા કરીને તેમાં ચણાનો લોટ (બેસન) સારી રીતે મિક્સ કરો. તેમાં મીઠું ઉમેરી તેને ગેસ પર મૂકીને ૨ મિનિટ સુધી હલાવતા રહો. થોડું ઘટ્ટ થાય ત્યારે તેમાં આદુ મરચાની પેસ્ટ ભેળવો ફરીથી ૪ થી ૫ મિનિટ સતત હલાવતા રહો જ્યારે આ મિશ્રણ પાથરી શકાય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી મોટી પ્લેટ પર પાતળા થરમાં પાથરી લો. (આમ તો, આપણા રસોડાનું પથ્થરનું પ્લેટફોર્મ આના માટે સૌથી સરસ જગ્યા છે તેની ઉપર આ મિશ્રણ જામવા લાગે તે પહેલા ઝડપથી અને સરળતાથી પાથરી શકાય છે) થોડી વાર પછી તેને ઊભા કાપા પાડી દરેક પટ્ટીનો ગોળ રોલ વાળી લો. આ બધા રોલને કોઈ બાઉલ કે પ્લેટમાં ઊભા ગોઠવી દો.
હવે એક વાસણમાં વઘાર માટે તેલ લઈ તે ગરમ થાય એટલે રાઈ, હિંગ, ઝીણા સમારેલા લીલા મરચાં અને તલનો વઘાર કરો. અને આ ગરમ ગરમ તેલ બધા જ રોલ ઉપર સરખા ભાગે ફેલાવી દો. ઉપરથી બારીક સમારેલી કોથમીર પણ છાંટી શકાય
ખાંડવી ગરમ કે ઠંડી બન્ને રીતે સ્વાદિષ્ટ લાગે છે.
ઓવનમાં પણ ખાંડવી સરસ બને છે.
ઉપર પ્રમાણેની બધી જ સામગ્રી ભેગી કરીને ઓવનમાં માઈક્રો હાઈ પર ૩ મિનિટ માટે કાચના બાઉલમાં ઢાંકીને મૂકો, (ઓવનમાં કોઈ પણ વાનગી રાંધતી વખતે તેને હમેશા ઢાંકીને મૂકો. ઢાંકણને હમેશા થોડું ખુલ્લું રહે તેમ રાખો) ત્રણ મિનિટ પછી બહાર કાઢીને હલાવી લો. ફરીથી તેને ઓવનમાં ૨ મિનિટ માટે મૂકો. અને પછી તેને બહાર કાઢીને ઉપર જણાવ્યા પ્રમાણે જ તૈયાર કરી શકાય છે.