આદુપાક

આદુપાક

Aadupaak (10)
સામગ્રી :-
૫૦૦ ગ્રામ આદુ
૨૦૦ ગ્રામ ઘી
૧૫૦ ગ્રામ મોળો માવો
૪૦૦ ગ્રામ ખાંડ
૫૦   ગ્રામ ગુંદર
૧૦૦ ગ્રામ કાજુ બદામના નાના ટુકડા અથવા ઝીણી કતરણ
રીત :-
સૌથી પહેલા આદુને ધોઈને પાણીમાં એક થી દોઢ કલાક પલાળી રાખો. ત્યાર પછી તેની છાલ ઉતારીને નાના ટુકડા કરી લો. હવે એ ટુકડાને મિક્સરમાં ક્રશ કરી પાતળા કપડામાં નાખીને તેમાંથી બધો જ રસ નિચોવી લો. રસ નિચોવી લીધા પછી વધેલા માવાને ચોખા ચાળવાના ચાળણામાં નાખીને ઘસીને રેસા અને આદુનો ગર (માવો) જુદો પાડી લો. આમ આદુનો રસ અને ગર (માવો) બન્ને અલગ અલગ થઈ જશે.
હવે એક કડાઈમાં ઘી મૂકીને તેમાં ગુંદરને તળી લો. અને તેને અધકચરો વાટી લો. (સપાટ તળિયાવાળા વાસણથી સહેજ સહેજ દબાવીને ભાંગી નાખો) સાવ પાવડર ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
જાડા તળિયાવાળા વાસણમાં માવાને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકી લો. હવે ગુંદર તળતાં બચેલા ઘીમાં આદુના ગરને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો અને ત્યારબાદ તેમાં ગાળીને રાખેલો આદુનો રસ ઉમેરો અને સતત હલાવતા રહો. બધું જ મિશ્રણ લચકા જેવું થઈ જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો અને શેકતા રહો હવે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાંસુધી હલાવીને ગેસ પરથી ઉતારી લો. સહેજ ઠંડું પડે એટલે તેમાં શેકેલો માવો, ગુંદર અને કાજુ-બદામના ટુકડા ઉમેરીને ખૂબ જ હલાવીને ભેળવી લો.
ઠંડું પડતા આ મિશ્રણ જામી જાશે અને રોજ સવારે દૂધ સાથે એક ચમચા જેટલું ખાવાથી શિયાળાની ઠંડી સામે રક્ષણ મળે છે. (બીજા શબ્દોમાં કહીએ તો આ રીતે બનાવેલો આદુપાક દેશી ઓસડિયા જેવું કામ આપે છે અને શરદી ઉધરસમાં પણ ઉપયોગી નિવડે છે)

 

Leave a Reply