સાત ધાન્યનો ખીચડો

સાત ધાન્યનો ખીચડો

સાત ધાન્યનો ખીચડો
મિત્રો, ઉત્તરાયણ નિમિત્તે સૌરાષ્ટ્રના લગભગ દરેક ઘરમાં સાત ધાન્ય ભેળવીને ખીચડો બનાવવામાં આવે છે. કોઈ મીઠો તો કોઈ તીખો ખાવાનું પસંદ કરે છે. આજે અહીં તીખો ખીચડો આપ્યો છે કારણ કે, આખો દિવસ ધાબા ઉપર પતંગ ઉડાડીને અને ઠંડો પવન ખાઈને ગળું પકડાઈ ગયું હોય તો ગરમ ગરમ અને તીખો ખીચડો ખાઈને બીજા દિવસે ફરી ’એ કાપ્યો છે… ’ની બૂમો પાડવા તૈયાર થઈ જવાય… :)
સામગ્રી :-
૧ કપ  જુવાર
૧/૪    કપ ઘઉં
૧/૪    કપ દેશી ચણા
૧/૨     કપ ચોખા
૧        ટેબલસ્પૂન મગ
૧        ટેબલસ્પૂન મઠ
૨        ટેબલસ્પૂન તુવેર (લીલી)
૩ – ૪ ડુંગળી
૧/૨    કપ લીલુ લસણ સમારેલુ
૮ – ૧૦ લીલા મરચા
૧/૨    કપ કોથમીર સમારેલી
મીઠું સ્વાદ પ્રમાણે
તલનું તેલ
હળદર
૧/૨   ટી સ્પૂન હિંગ
રીત:-
જુવાર, ઘઉં, ચણાને હુંફાળા પાણીમાં ૭ – ૮ કલાક પલાળો. મગ અને મઠ ૪ – ૫ કલાક પલાળો. પલળી જાય એટલે તેમાંથી પાણી નિતારી બધું જ ધાન્ય અને કઠોળને ભેગું ખાંડણીમાં નાખીને ફોતરા ઉખડે તે રીતે છડી નાખો. (હળવે હાથે ખાંડી લો). હવે તેને બે – ત્રણ દિવસ તડકામાં સૂકવીને એકદમ કોરો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
જ્યારે આ ખીચડો બનાવવો હોય ત્યારે તેને ફરી ૫ – ૬ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેમાં પાંચ ગણું પાણી, ચોખા, લીલી તુવેરના દાણા તથા મીઠું ઉમેરી કૂકરમાં બાફી લો.
હવે એક પહોળા વાસણમાં તેલ, મૂકી તેમાં હિંગ નાખી ડુંગળી, લીલું લસણ, લીલા મરચાં સાંતળો. પછી તેમાં ચપટી હળદર નાખી ખીચડો વઘારી લો. સારી રીતે હલાવીને મિક્સ કરીને ગેસ બંધ કરો. ઉપર સમારેલી કોથમીર નાખી… ગરમ ગરમ ખીચડો તલના તેલ, દહીં અને લીલા મરચા સાથે ખાવાની મજા જ અનેરી છે.
કંઈક ખાસ:- 
આપણા શાસ્ત્રોમાં અને આયુર્વેદમાં આ હેમંત,  શિશિરની ઋતુમાં (શિયાળામાં) ભારે અને સ્નિગ્ધ ગુણવાળો ખોરાક લેવાની સલાહ આપવામાં આવી છે.  એ પ્રમાણે આ ખીચડામાં સાત પ્રકારનાં ધાન્ય વપરાય છે કે જે કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનથી ભરપૂર છે અને તલનું તેલ જરુરી ફેટ્સ પૂરા પાડે છે જે શરીરને શક્તિ આપે છે. .

Leave a Reply