મગની દાળના ચીલા

મગની દાળના ચીલા

મગની દાળના ચીલા
સામગ્રી :-
૧ કપ મગની દાળ
૧ ચમચો ચણાનો લોટ
૩ – ૪ કળી લસણ
૧ નાનું ટમેટું
૧ નાની ડુંગળી
૨ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
૧ ચમચો સમારેલી કોથમીર
૧/૨ ચમચો સમારેલો ફુદિનો
૧/૪ ટી સ્પૂન હળદર
૧/૪ ટી સ્પૂન સંચળ
મીઠું સ્વાદ અનુસાર
ચાટમસાલો (Optional)
રીત :-
મગની દાળને ૪ થી ૫ કલાક પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ તેને મિક્સરમાં અધકચરી વાટી લો. તેમાં ચણાનો લોટ અને જરૂરી પાણી ભેળવીને ઘાટું ખીરું બનાવો.
સાથે સાથે ટમેટું અને ડુંગળીને સમારીને અથવા જાડી ખમણીથી છીણીને મિક્સ કરો. ચીલાને થોડા ક્રિસ્પી બનાવવા ખીરામાં કાકડીના બારીક ટુકડા પણ ઉમેરી શકો છો.
સમારેલી કોથમીર,સમારેલો ફુદિનો, લસણની કળીઓ, આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને ખીરામાં ભેળવો. હળદર, મીઠું, સંચળની સાથે ઈચ્છો તો થોડો ચાટમસાલો પણ નાખી શકાય. (જો ચાટમસાલો નાખવો હોય તો મીઠું અને સંચળનું માપ ઘટાડી નાખવું).
હવે આ તૈયાર થયેલા મિશ્રણને નોનસ્ટિક અથવા સાદી તવી પર પાથરીને ફરતે સહેજ તેલ મૂકીને બન્ને બાજુ સારી રીતે ચડી જાય એટલે ગરમ ગરમ પીરસો.
- નોનસ્ટિક તવી પર આ ચીલાને સહેજ પણ તેલ વિના પણ ઉતારી શકાય છે.
- સવારના નાસ્તામાં કે રાતના ભોજનમાં આ ચીલા દહીં અને લીલી ચટણી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
- આ ખીરામાં ફણગાવેલા કે બાફેલા કઠોળ ઉમેરવાથી તેનું પોષણમૂલ્ય ખૂબ વધી જાય છે.

Leave a Reply